સૂકા મેવાના મનોરથનો શ્રી જગન્નાથ ભક્તોએ લહાવો લઈ ધન્યતા અનુભવી
ધર્મની નગરી પાટણ શહેરના આગણે જગતના નાથ ભગવાન જગન્નાથજીના મંદિર પરિસર ખાતેથી આગામી તા. ૨૭ મી જુનને અષાઢી બીજના પવિત્ર દિવસે નીકળનારી ભારતના ત્રીજા નંબરની અને ગુજરાતના બીજા નંબરની શ્રી જગન્નાથ ભગવાન, ભાઈ બલભદ્રજી અને બહેન સુભદ્રાજીની ૧૪૩મી રથયાત્રાને લઇ સમગ્ર શહેરમાં ભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે આ ૧૪૩ મી અષાઢી બીજની રથયાત્રાને લઇ શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટ અને રથયાત્રાસમિતિ દ્વારા શ્રી જગન્નાથ મંદિર પરિસર ખાતે વિવિધ ધાર્મિક ઉત્સવો સાથે વિવિધ વાનગીના મનોરથોનું આયોજન કરાયું હોય સોમવારે સૌ પ્રથમ વખત અષાઢી બીજની ઉજવણીના ઉપલક્ષ્યમાં ભગવાન સન્મુખ ૨૧ કિલો સુકા મેવાનો મનોરથ કરવામાં આવ્યો હતો. જેમાં કાજુ, બદામ,પિસ્તા, અખરોટ, અંજીર, કાળી- સફ્ક્ત દ્રાક્ષથી ભગવાનના ગર્ભગૃહને સજાવવામાં આવ્યો હતો. આસુકા મેવાની સજાવટમાં મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સહિત ભકતો સાથે મંદિરના પુજારી સહભાગી બન્યા હતા. જગન્નાથ મંદિર ખાતે આયોજિત સુકા મેવાના મનોરથના દર્શન કરી સૌ ભકતોએ જગન્નાથના આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી હતી.